Cap Distribution by SETU for Salt Workers
Cap Distribution by SETU for Salt Workers
અમદાવાદ સ્થિત એક સદગૃહસ્થે મોકલેલી 1460 ટોપીઓનું સેતુ દ્વારા ખારાઘોડાના મીઠાના ઢગલામાં વિતરણ શરૂ થયું. મીઠાના ઢગલાઓ વચ્ચે કામ કરતા મીઠા કામદારો ને સ્થળ ઉપર જઈને ટોપીનું વિતરણ કરવામાં આવે છે. આ સેવાકીય કાર્ય માટે અજીતભાઈ અને શિવાભાઈ ની ટીમ, ભીમસેન ભાઈ ના કામદારની ટીમ, સુરેશ ભાઈ, નરેશ ભાઈ શિવમ વાળા , કિશનભાઇ મારુતિ કાંટા વાળા સહિત સહુએ આટલા બહોળા વિતરણની સ્વયમ્ જવાબદારી સ્વીકારી એટલે આ મોટું કાર્ય વહેચાઈ ને સાવ સહેલું બની ગયું.
મીઠાના ઢગલામાં બપોર બરોબરનો તપે છે. એક તરફ આભમાંથી ગરમી વરસે છે અને ત્યાં સેકડોની સંખ્યામાં આવેલા મીઠાના ઢગલાઓ ની ગરમી એ ગરમી ને બેવડાવે છે. ત્યારે ટોપી માથાને રાહત આપી જાય છે. ટોપી વિતરણ કરતી વખતે અમોએ મીઠાના ઢગલા વચ્ચે એક અધકચરા છાયા નીચે માજીને જોયા. અમે તેમને ટોપી આપી અને પૂછ્યું. માજી અહીંયા તાપ વધારે પડતો હશે!!!… ત્યારે, માજી એ અમને જે જવાબ આપ્યો તે અહીંયા લખું છું. માજી કહેતા હતા કે.. ભીયા, સૂરજ તો સરખો તપે છે બધે… તાપ તો તાસીર પ્રમાણે લાગે !! પરિશ્રમ કરીને પેટિયું રળતાં એ વૃદ્ધ માજી સહુને જીવન નું સત્ય સમજાવી ગયા. તાસીર નો ઉંબરો ઓળંગી ને પણ જેમને તાપ વેઠવો પડે છે તેમના સારું ટોપી અર્પણ કરનાર એ અજ્ઞાત સદગૃહસ્થ દાતાશ્રી ને ખૂબ ખૂબ ધન્યવાદ…