Noble Activity by SETU Under Health Care

રણકાંઠાના ગામ ખારાઘોડામાં આવેલા સેતુના દવાખાનાની એ લેબોરેટરીમાં અમે ઉભા છીયે. લેબોરેટરીમાં એરકન્ડિશનર ચાલતું હોવાથી લેબોરેટરીનો દરવાજો મોટાભાગે બંધ રહે છે. લેબોરેટરીમાં બહારથી આવનાર કોઈ દર્દી એ સહેજ અટકાવીને રાખેલા દરવાજાને હળવો ધક્કો મારે એટલે ઉઘડી જાય.

એ દરવાજો ઉઘડે છે એ અર્ધખૂલેલા દરવાજામાં ડોકિયું કરીને દશ-બાર વરસની દીકરી સહેજ દબાયેલાં સાદે પૂછે છે…. સાયેબ.. રિપોર્ટ થઈ ગ્યો મારો??? બેસ.. પાંચ મિનિટ થઈ ગયો છે. છાપી આપું.. લેબ ટેક્નિશિયને એ છોકરીને કહ્યું. લેબ ટેક્નિશિયન રિપોર્ટ છાપી અમારા હાથમાં આપીને કહે છે વાંચો આ છોકરી ની સ્થિતિ!!!…. હિમોગ્લોબીન 2 ટકા…..

અમારું ક્ષેત્ર ભલે મેડિકલનું ન હોય. પરંતુ, સામાન્ય સમજણ પ્રમાણે 10 ટકા કરતા વધારે હિમોગ્લોબીન હોવું જરૂરી છે. એ સ્થિતિમાં માત્ર 2 ટકા હિમોગ્લોબીન હોવું એટલે ગમે તે ક્ષણે કંઈ પણ બની શકે..

લેબટેક્નિશિયન સહિત ત્યાંનો સ્થાનિક સ્ટાફ એ છોકરી પાસે જાય છે. બહાર ઓસરીમાં બેઠેલી એ છોકરીની ફિક્કી પડી ગયેલી આંખમાં લગીરે ચમક નહોતી . દશ-બાર વરસની છોકરીને સ્થિતિની ગંભીરતા કેવી રીતે સમજાવવી અને કદાચ તેને કોઈ સમજાવે તો એ મેડિકલ ક્ષેત્રની આ ભાષા કેટલી સમજી શકે એ પણ મોટો સવાલ હતો. એ છોકરી કહેતી હતી કે મારી માસી સાથે આવી છું. એ ક્યાંક આટલામાં જ હશે, થોડીવારમાં આવી જશે. થોડીવારમાં તેના માસી પણ આવી ગયા. ઘટી ગયેલા હિમોગ્લોબીન અને તેની ગંભીરતા વિશે તેમને પણ ઝાઝી ખબર પડતી હોય તેવું વરતાતું નહોતું. મીઠાના એક કારખાનામાં દાડીયે જતા એ છોકરીના માસી કહેતા હતા કે એ છોકરી નો બાપ મીઠાની મજૂરીએ જતો હતો ને તેનું અવસાન થયું. બાપ ની ખાલી પડેલી જગ્યા ઉપર માં એ ઝઝૂમવાની શરૂઆત કરી. મીઠાનું કામ કરવાની ઝાઝી ફાવટ નહીં એટલે સીમ માં જઈને બાવળ કાપી લાકડાનો ભારો ઉંચકીને વેચી બે-પૈસા મળે તેમાં તેની ચાર નાની દિકરીયુ અને પોતાની જાત ને જીવાડતી હતી. સીમમાં બાવળ કાપતી વખતે એક દિવસ તેને છાતીમાં સહેજ મૂંઝારો થતો અનુભવ્યો. ઉતાવળા પગે બાવળ કાપવા પડતા મૂકી અને એ ઘરે જવા નીકળી. ઘરના ફળિયામાં પહોંચીને એ ફસડાઈ પડી. અડખે-પડખેથી પાડોશી દોડીને આવ્યા પણ હવે જીવ વગરનું ખોળિયું રહી ગયું હતી. નોંધારી થયેલી દીકરીઓને માસી ‘માં’ બનીને ઉછેરતી હતી. પણ, હાથબાવડા ઉપર નભી ખાતા શ્રમજીવી માટે જીવતરનો પંથ દિવસે દિવસે વિકટ બનતો જતો હોય છે. આથી માત્ર 2 ટકા હિમોગ્લોબીન એટલે તાબડતોબ કોઈ મોટી હોસ્પિટલનો આશરો લેવો પડે તેવું જાણી એ છોકરીની માસીના ચહેરા ઉપર ઉચાટ સ્પષ્ટ દેખાતો હતો.

કાયા તારી રાખજે રુડી , ગરીબોની એછે મૂડી… વરસો પહેલા આંધળીમાં એ તેના દીકરાને સંબોધીને લખેલો કાગળ યુગો સુધી સાચો જ રહેવાનો છે કારણકે ગરીબો ને ત્યાં આવતી માંદગી અને હોસ્પિટલના ખર્ચ ગરીબને રહેંસી નાખે છે. જોકે અહીંયા ચોક્કસ ઉલ્લેખ કરવો રહ્યો કે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ ને કારણે જીવલેણ માંદગી ટાણે મોટો સધિયારો મળી રહે છે. અને ખૂબ ઉપયોગી યોજના પણ છે. પરંતુ, અહીંયા માત્ર 2 ટકા હિમોગ્લોબીનને કારણે ઇમરજન્સીના એંધાણ સર્જાયા હતા. સેતુ દવાખાના ના કાર્યકરે એ છોકરી અને તેની માસીને હૈયાધારણા આપી અને અમદાવાદ સેતુના ટ્રસ્ટી ને ફોન કરી સ્થિતિ થી વાકેફ કર્યા. બીજી જ મિનિટે ગાડી આવીને ઉભી રહી. એ છોકરીને લઈને ગાડી અમદાવાદના માર્ગે નીકળી ગઇ. અમદાવાદની સારામાં સારી ખાનગી હોસ્પિટલ ના ICU માં એ છોકરીને દાખલ કરવામાં આવી. એક અઠવાડિયું તેને બેસ્ટ સારવાર મળી. સેતુ ના કાર્યકરોએ પાસે ઉભા રહી હૂંફ આપી. પાંચ બોટલ તબક્કાવાર લોહી ચડાવું પડ્યું. સેતુની લેબોરેટરીમાં ફોલોઅપ માટે હિમોગ્લોબીન ચેક કરાવવા એ છોકરી આવી હતી અને તેની મુલાકાત થઈ…. તેની આંખમાં ચમક હતી. ઝુંટવાતી જિંદગી પાછી મળ્યાની અને સાથે તેના ચહેરા ઉપર સતત સ્મિત ફરકતું હતું. અમે તેને પૂછ્યું … હવે કેટલું હિમોગ્લોબીન!!!….. રણકતાં અવાજે તેને કહ્યું 11 ટકા……. 1 અને 1 દરવખતે 2 થાય તેવું જરૂરી નથી. જો એમાં સંવેદના ભળે તો 1 અને 1 અગિયાર પણ થાય છે.!!!

(આ સત્ય ઘટના લખવાનું કારણ માત્ર એટલું જ છે કે રણકાંઠે આવેલા ખારઘોડામાં સેતુ ચેરીટેબલ ટ્રસ્ટ નું આગવા અંદાજ નું આરોગ્ય કેન્દ્ર છે. જ્યાં ટેલિમેડીસીન સેવા દ્વારા દર્દીઓને તપાસી દવા અપાય છે. અહીંયા સજ્જ પેથોલોજી લેબ પણ છે. ગરીબી અને લાચારીના કારણે હામહારી બેઠેલા અનેક દર્દીઓ ને સારવાર અપાવી ફરીથી જીવનના પ્રવાહ માં જોડ્યા છે. આ વિસ્તારમાં જરૂરિયાતમંદો માટે આસ્થાનું થાનક ગણાતા સેતુએ અત્યાર સુધીમાં 125000 હા, સવાલાખ કરતા પણ વધારે દર્દીઓને હસતા મો એ સારવાર આપી પાછા મોકલ્યા છે. અચંબિત થઈ જવાય તેવી સેતુ પાસે સેવા છે. સેતુ માં ડોકટર , બિઝનેસમેન સહિત રોજનું કમાઈને રોજ ખાતા શ્રમજીવી સુધીના વોલેન્ટીયરો નો મોટો સમૂહ છે. જે કોઈ પણ બીમાર અને જીવનમરણ વચ્ચે ઝોલા ખાતા દર્દી માટે પ્રગટે છે અને કામ પૂરું થયાં પછી સેવાનો ઢંઢેરો પીટયા વગર દુનિયાની ભીડ માં ચુપચાપ ભળી જાય છે. સેતુ વિશે વધારે જાણવાની ઉત્કંઠા ધરાવતા હોય તો setukgod@gmail.com. તેમનો મેઈલ આઈ.ડી. છે .)

આલેખન: અંબુ પટેલ